Skip to main content

કલામ સાહેબને એમની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે હૃદયપૂર્વક વંદન

કલામ તમને સો સો સલામ
કલામ સાહેબે આ ધરતી પરથી વિદાય લીધી એને આજે 2 વર્ષ થઇ ગયા. નોખી માટીના આ અનોખા માણસની થોડી વાતો આપની સાથે શેર કરુ છું.
ડો.કલામ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા તે વખતે એમણે અમૂલ ડેરીના સ્થાપક ડો.વર્ગિસ કુરિયનને મળવા માટે બોલાવેલા. ડો. કલામે ડો.કુરિયન પાસે પોતાની મનોભાવના વ્યક્ત કરતા કહેલું, "હું હવે ભારતનો રાષ્ટ્રપતિ બની ગયો છું. હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ભારત સરકાર મારી બધી સંભાળ રાખશે. ભારત સરકાર મારું ધ્યાન રાખવાની છે તો પછી મારી પોતાની મિલકત અને બચતની મારે હવે કોઈ જરૂર નથી. મારી બધી મિલકત અને બચત મારે લોકોના ભલા માટે વાપરવી છે." ડો.કુરિયન ડો.કલામની હ્દયભાવનાને મનોમન વંદી રહ્યા હતા. ડો.કલામે ખાલી વાતો કરી એટલું જ નહિ હકીકતમાં પોતાની બધી જ સંપત્તિ અને બચત ગ્રામ્ય લોકોને શહેરના લોકો જેવી સુવિધા પૂરી પાડવાના હેતુથી દાનમાં આપી દીધી હતી.


ડો. કલામ જ્યારે DRDO ( ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ) માં કામ કરતા હતા ત્યારે સલામતી માટે સંસ્થાની દીવાલ પર કાચ લગાવવાની દરખાસ્ત મુકવામાં આવી જેથી કોઈ દીવાલ કૂદીને પ્રવેશી ના શકે. ડો.કલામે આ દરખાસ્તનો વિરોધ કરતા કહ્યું હતું કે જો દીવાલ પર કાચ લગાવવામાં આવશે તો પંખીઓ બેસી નહિ શકે એટલે કાચ લગાવવાનું પડતું મુકો. કેવી કરુણાદ્રષ્ટિ !
ડો.કલામ જ્યારે આ જ સંસ્થામાં કામ કરતા હતા ત્યારે તેના એક મદદનિશ વૈજ્ઞાનિકે કામ પરથી વહેલા જવાની રજા માંગેલી. ડો.કલામે કારણ પૂછ્યું તો પેલા એ કહ્યું કે બાળકોને આજે પ્રદર્શન જોવા લઇ જવાના છે. ડો.કલામે એની રજા મંજૂર કરી. પેલા વૈજ્ઞાનિક તો કામ કરતા રહ્યા અને બાળકોને આજે પ્રદર્શન જોવા લઇ જવાના છે એ ભૂલી જ ગયા. જ્યારે ઘરે ગયા ત્યારે એને ખબર પડી કે ડો.કલામ ખુદ એના ઘરે આવ્યા હતા અને એના બાળકોને પ્રદર્શન જોવા લઈ ગયા હતા.
વારાણસીમાં આઇઆઇટીના એક કાર્યક્રમમાં ડો.કલામને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યુ હતું. ડો. કલામ જ્યારે સ્થળ પર આવ્યા તો એમણે જોયું કે આગલી હરોળમાં મુકેલી 5 ખુરશીઓમાં એમના માટેની ખુરશી બાકીની ખુરશીઓ કરતા મોટી છે. એમણે મોટી ખુરશી પર બેસવાની વિનમ્રતાપૂર્વક ના પાડી દીધી અને જ્યારે બીજી ખુરશી જેવી જ ખુરશી મુકાણી ત્યારે એના પર બેઠા.
રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ડો.કલામ કેરળમાં પધારી રહ્યા હતા. કેરળના રાજ્યપાલ ભવનમાં એમના સ્વાગતમાં મોટો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ડો.કલામ જેના નામ સૂચવે તે વિઆઇપીઓને રાષ્ટ્રપતિના મહેમાન તરીકે આમંત્રણ આપવાનું હતું. ડો. કલામે આ માટે બે વ્યક્તિના નામ સૂચવેલા એમાં એક હતો સામાન્ય હોટલવાળો જેને ત્યાં કલામ જમતા અને બીજો હતો એક સામાન્ય જોડા સિવનારો મોચી જેની સાથે કલામને મૈત્રી હતી. દેશના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા પછી પણ કલામને સામાન્ય માણસો યાદ હતા.
કલામ સાહેબને એમની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે હૃદયપૂર્વક વંદન.

Source : Shailesh Sagpariya

Comments

Popular posts from this blog

ફૌઝાસિંહ ની જીવન કથા

પંજાબના જાલંધરમાં જન્મેલા ફૌઝાસિંહના પગ જન્મથી જ નબળા અને સાવ પાતળા હતા. 5 વર્ષની ઉંમર સુધી તો એ ચાલી જ નહોતા શક્યા. માતા-પિતાને ચિંતા હતી કે આ છોકરો કાયમ માટે અપંગ રહી જશે. ફૌઝાસિંહ જ્યારથી સમજતા થયા ત્યારથી એણે એક સંકલ્પ કરેલો કે મારે મારા પગ ઉપર માત્ર ઉભા જ નથી થવુ, દોડવું પણ છે. મજબુત મનોબળના સહારે ફૌઝાસિંહ ધીમે ધીમે ચાલતા થયા. થોડું ચાલે તો પણ થાક લાગે. બીજા લોકો એમને વધુ ન ચાલવાની સલાહ આપે  પણ ફૌઝાસિંહને એક જ લગન હતી કે મારે માત્ર ચાલવુ નથી દોડવું છે. ધીમે ધીમે એણે દોડવાનું પણ ચાલુ કર્યુ. લગભગ 36 વર્ષની ઉંમર સુધી એ પોતાના શોખ માટે થોડું દોડતા પણ પછી બધુ મુકી દીધુ. 1992માં ફૌઝા સિંહના પત્નિનું અવસાન થયુ. ત્યારે એમની ઉમર 81 વર્ષની હતી. પત્નિની વિદાયનું દુ:ખ હળવું હરવા મનને બીજી કોઇ દીશામાં વાળવાના હેતુથી એણે પાછું દોડવાનું ચાલુ કર્યુ. લોકોએ કદાચ એના આ વિચારને પાગલપન સમજ્યુ હશે પણ બીજા કોઇની વાત સાંભળવાને બદલે ફૌઝાસિંહે અંતરનો અવાજ સાંભળ્યો અને 81 વર્ષે ફરીથી દોડવાનું શરુ કર્યુ. લગભગ 12 વર્ષ આ રીતે નિયમિત દોડવાની પ્રેકટીસ કર્યા પછી 93 વર્ષની ઉંમરે એણે મેરેથોનમાં ભાગ લેવાન...

મારી લાડકી દિકરી

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર ( આ કાલ્પનિક પત્ર છે પણ સમજવાનો પ્રયાસ કરશો તો આ એક સામાન્ય લાગતો કાગળ ઘણું ઘણું કહી જાય છે.) મારી લાડકી દિકરી...... બેટા, તને ભણવા માટે શહેરમાં મુકી પણ તારી ગેરહાજરીથી આખુ ઘર મને ખાલી-ખાલી લાગે છે. આ ખાલીપો મને મંજૂર છે કારણકે મારી લાડકડીને મારે ઉંચા પદ પર જોવી છે. તારી બાએ જે તકલીફો સહન કરી છે એ તારે ના કરવી પડે એટલે તને ભણવા માટે શહેરમાં મુકી છે. બેટા, જાત-જાતની વાતો સાંભળીને અને છાપાઓમાં વાંચીને કેટલાય દિવસથી અંતર વલોવાતું હતું એટલે આજે તને કાગળ લખવા બેઠો છું. મારી ઇચ્છા હતી હે હું તને ગર્લ્સ હોસ્ટેલમાં જ રાખુ જેથી તું સમુહજીવનના પાઠ ભણી શકે. સાચુ કહુ તો તારી બાની હોસ્ટેલમાં દાખલ કરવાની ઇચ્છા અને આગ્રહ બન્ને હતા કારણકે એક મા તરીકે એને તારી કેટલીક ચિંતાઓ હતી. આમ છતા તારી ઇચ્છા મુજબ મેં તને હોસ્ટેલમાં રહેવાના બદલે રુમ રાખીને રહેવા માટેની છુટ આપી કારણકે મને મારી લાડકી દિકરી પર પુરો વિશ્વાસ છે. બેટા, છાપામાં એક સમાચાર વાંચ્યા કે ગામડામાંથી શહેરમાં આવતા છોકરા-છોકરીઓ ભણવાના બદલે બાગ-બગીચામાં રખડ્યા કરે છે....

હૈયાના હેત ના ભૂલાય સ્વામી તારા હૈયાના હેત ના ભૂલાય

પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ ભારતમાં હોય ત્યારે દિવાળીનો ઉત્સવ ગોંડલ ખાતે જ ઉજવે. સ્વામીબાપા શરદપૂનમ પહેલા આવી જાય અને લાભપાંચમ કરીને ગોંડલથી વિદાય લે. સ્વામીબાપા લગભગ 20 થી 25 દિવસ અને ક્યારેક આખો મહિનો નાનકડા એવા ગોંડલમાં રોકાતા અને અદભૂત લાભ આપતા. હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી સમજુ છું કારણકે સ્વામીબાપા જેટલા દિવસ ગોંડલમાં રોકાય એટલા દિવસ સ્ટેજ સંચાલનની અને એનાઉન્સર તરીકેની સેવાનો લાભ મને મળતો.  બાપાના ગોંડલ ખાતેના રોકાણ દરમ્યાન અમે જાત જાતના સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હતા. એકવખત દેશની પ્રવર્તમાન પરિસ્થિતિનું વર્ણન કરતુ એક સુંદર નાટક તૈયાર કર્યું હતું. નાટકનું લેખન મિત્ર જય વસાવડા અને મેં અમે બંનેએ સાથે કરેલું. સ્વાભાવિક છે કે લેખક તરીકે બહુ ઈચ્છા હોય કે બાપા આરંભથી છેક અંત સુધી અમારું નાટક જોવે. દિવાળીના દિવસો હોય, દેશ વિદેશમાંથી હજારો હરિભક્તો ગોંડલ આવ્યા હોય, મહાનુભાવો પણ બહુ મોટી સંખ્યામાં બાપાના દર્શન માટે આવતા હોય એમાં આખું નાટક જોવાનો સમય બાપા કેવી રીતે કાઢી શકે ? પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજનું ધ્યાન રાખનારા એના સેવકસંતોએ સૂચના આપેલી કે તમે સાંજે સમયસર જ તમારો કાર્યક્રમ શ...