Skip to main content

હૈયાના હેત ના ભૂલાય સ્વામી તારા હૈયાના હેત ના ભૂલાય

પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ ભારતમાં હોય ત્યારે દિવાળીનો ઉત્સવ ગોંડલ ખાતે જ ઉજવે. સ્વામીબાપા શરદપૂનમ પહેલા આવી જાય અને લાભપાંચમ કરીને ગોંડલથી વિદાય લે. સ્વામીબાપા લગભગ 20 થી 25 દિવસ અને ક્યારેક આખો મહિનો નાનકડા એવા ગોંડલમાં રોકાતા અને અદભૂત લાભ આપતા. હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી સમજુ છું કારણકે સ્વામીબાપા જેટલા દિવસ ગોંડલમાં રોકાય એટલા દિવસ સ્ટેજ સંચાલનની અને એનાઉન્સર તરીકેની સેવાનો લાભ મને મળતો. 

બાપાના ગોંડલ ખાતેના રોકાણ દરમ્યાન અમે જાત જાતના સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હતા. એકવખત દેશની પ્રવર્તમાન પરિસ્થિતિનું વર્ણન કરતુ એક સુંદર નાટક તૈયાર કર્યું હતું. નાટકનું લેખન મિત્ર જય વસાવડા અને મેં અમે બંનેએ સાથે કરેલું. સ્વાભાવિક છે કે લેખક તરીકે બહુ ઈચ્છા હોય કે બાપા આરંભથી છેક અંત સુધી અમારું નાટક જોવે. દિવાળીના દિવસો હોય, દેશ વિદેશમાંથી હજારો હરિભક્તો ગોંડલ આવ્યા હોય, મહાનુભાવો પણ બહુ મોટી સંખ્યામાં બાપાના દર્શન માટે આવતા હોય એમાં આખું નાટક જોવાનો સમય બાપા કેવી રીતે કાઢી શકે ?




પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજનું ધ્યાન રાખનારા એના સેવકસંતોએ સૂચના આપેલી કે તમે સાંજે સમયસર જ તમારો કાર્યક્રમ શરુ કરી દેજો બાપાને અનુકૂળતા થશે એટલે વચ્ચે તમારા કાર્યક્રમમાં આવી જશે. જે દિવસે નાટક રજુ કરવાનું હતું તે દિવસે સવારે સ્વામીજી નાસ્તો કરતા હતા. મારે સ્વામીબાપાની સમક્ષ એક નાનું પ્રવચન કરવાનું હતું. પ્રવચન પૂરું થયું પછી સ્વામીબાપાએ પ્રસાદ આપવા આગળ બોલાવ્યો. મેં મોકો જોઈને હળવા અવાજે બાપાને કહ્યું, "બાપા, અમે આજે સાંજની સભામાં એક સંવાદ રજુ કરવાના છીએ પણ સેવક સંતો કહે છે કે આપ સભામાં મોડા પધારશો" હજુ આગળ કંઈ બોલું એ પહેલા જ બાપાએ કહ્યું, "એ ભલેને કે હું તમારો કાર્યક્રમ શરુ થાય એ પહેલા આવી જઈશ. તમે કેટલા વાગે કાર્યક્રમ શરુ કરવાના છો ?" મેં બાપાને કાર્યક્રમનો સમય કહ્યો એટલે મારો હાથ પકડીને કહે 'અમે, આ સમય પહેલા પહોંચી જાશું"

સાંજે સભા શરુ થઇ અને બધાના આશ્વર્ય વચ્ચે પ્રમુખસ્વામી મહારાજ પોતાના બીજા કામોને એક બાજુ હડસેલીને અમારા કાર્યક્રમમાં સમય પહેલા આવી ગયા. સ્વામીબાપાને જોઈને હું તો રાજીનો રેડ. ઉત્સાહમાં ને ઉત્સાહમાં મારાથી એક મોટી ભૂલ થઇ ગઈ. નાટકમાં વચ્ચે વચ્ચે મારે લાઈવ કૉમેન્ટરી આપવાની હતી. સ્વામીબાપાને સામે જોઈને કોમેન્ટરી થોડી વધારે અપાઈ ગઈ અને એના કારણે કાર્યક્રમ લંબાયો. કાર્યક્રમ લંબાવાને કારણે સ્વામીબાપાના આશીર્વાદ જ કાપવા પડ્યા. એમને દવા લેવાનો સમય હતો એટલે પછી એમના આશીર્વાદ રહી ગયા અને કાર્યક્રમ પૂરો કરીને બાપા એમના ઉતારે જાવા માટે નીકળી ગયા.

કાર્યક્રમ પછી કેટલાક વડીલ હરિભક્તો અને સંતો મને ખિજાયા. હરિભક્તોએ તો ત્યાં સુધી કહ્યું કે અમે દૂર દૂરથી નાટક જોવા માટે અહિયાં નથી આવતા બાપાના આશીર્વાદ સાંભળવા આવીએ છીએ અને તમારા નાટકને લીધે બાપાના આશિર્વાદનો લાભ ના મળ્યો. મારી ભૂલ હતી. આંખોમાં આંસુ પણ આવી ગયા પણ હવે બીજું તો શું થઇ શકે ?

બીજે દિવસે સવારે પ્રમુખસ્વામી મહારાજ પૂજા કરવા માટે આવ્યા ત્યારે સમય મળતા જ બાપા પાસે પહોંચી ગયો અને ગઇકાલની ઘટના વિષે બાપાની માફી માંગી. હરિભક્તો જે બોલ્યા હતા એ પણ સ્વામીને કહ્યું. બાપાએ કહ્યું , "તમે બધાએ સાથે મળીને બહુ સરસ સંવાદ રજુ કર્યો હતો. હું રજી છું અને હરિભક્તોની કે સંતોની નારાજગીની તું ચિંતા ના કર."

સાંજની સભામાં સ્વામીબાપા પધાર્યા. આશીર્વાદ આપતી વખતે એમણે ગઈકાલે ભજવાયેલા સંવાદના જાહેરમાં વખાણ કર્યા અમને બધાને અભિનંદન આપ્યા અને સંતો હરિભક્તોને પણ કહ્યું કે અમે તો રોજ આશિર્વાદ આપીએ છીએ. આ છોકરાઓની સેવા ભક્તિને પણ વધાવવી.

આટલા મોટા સંત પણ અમારા જેવા યુવાનોનું કેવું ધ્યાન રાખે ! પ.પૂ.પ્રમુખસ્વામીની વિદાયને આજે એક વર્ષ પૂરું થયું. બાપાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે બસ એટલું જ કહેવું છે કે " હૈયાના હેત ના ભૂલાય સ્વામી તારા હૈયાના હેત ના ભૂલાય....."

Comments

Popular posts from this blog

ફૌઝાસિંહ ની જીવન કથા

પંજાબના જાલંધરમાં જન્મેલા ફૌઝાસિંહના પગ જન્મથી જ નબળા અને સાવ પાતળા હતા. 5 વર્ષની ઉંમર સુધી તો એ ચાલી જ નહોતા શક્યા. માતા-પિતાને ચિંતા હતી કે આ છોકરો કાયમ માટે અપંગ રહી જશે. ફૌઝાસિંહ જ્યારથી સમજતા થયા ત્યારથી એણે એક સંકલ્પ કરેલો કે મારે મારા પગ ઉપર માત્ર ઉભા જ નથી થવુ, દોડવું પણ છે. મજબુત મનોબળના સહારે ફૌઝાસિંહ ધીમે ધીમે ચાલતા થયા. થોડું ચાલે તો પણ થાક લાગે. બીજા લોકો એમને વધુ ન ચાલવાની સલાહ આપે  પણ ફૌઝાસિંહને એક જ લગન હતી કે મારે માત્ર ચાલવુ નથી દોડવું છે. ધીમે ધીમે એણે દોડવાનું પણ ચાલુ કર્યુ. લગભગ 36 વર્ષની ઉંમર સુધી એ પોતાના શોખ માટે થોડું દોડતા પણ પછી બધુ મુકી દીધુ. 1992માં ફૌઝા સિંહના પત્નિનું અવસાન થયુ. ત્યારે એમની ઉમર 81 વર્ષની હતી. પત્નિની વિદાયનું દુ:ખ હળવું હરવા મનને બીજી કોઇ દીશામાં વાળવાના હેતુથી એણે પાછું દોડવાનું ચાલુ કર્યુ. લોકોએ કદાચ એના આ વિચારને પાગલપન સમજ્યુ હશે પણ બીજા કોઇની વાત સાંભળવાને બદલે ફૌઝાસિંહે અંતરનો અવાજ સાંભળ્યો અને 81 વર્ષે ફરીથી દોડવાનું શરુ કર્યુ. લગભગ 12 વર્ષ આ રીતે નિયમિત દોડવાની પ્રેકટીસ કર્યા પછી 93 વર્ષની ઉંમરે એણે મેરેથોનમાં ભાગ લેવાન...

મારી લાડકી દિકરી

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર ( આ કાલ્પનિક પત્ર છે પણ સમજવાનો પ્રયાસ કરશો તો આ એક સામાન્ય લાગતો કાગળ ઘણું ઘણું કહી જાય છે.) મારી લાડકી દિકરી...... બેટા, તને ભણવા માટે શહેરમાં મુકી પણ તારી ગેરહાજરીથી આખુ ઘર મને ખાલી-ખાલી લાગે છે. આ ખાલીપો મને મંજૂર છે કારણકે મારી લાડકડીને મારે ઉંચા પદ પર જોવી છે. તારી બાએ જે તકલીફો સહન કરી છે એ તારે ના કરવી પડે એટલે તને ભણવા માટે શહેરમાં મુકી છે. બેટા, જાત-જાતની વાતો સાંભળીને અને છાપાઓમાં વાંચીને કેટલાય દિવસથી અંતર વલોવાતું હતું એટલે આજે તને કાગળ લખવા બેઠો છું. મારી ઇચ્છા હતી હે હું તને ગર્લ્સ હોસ્ટેલમાં જ રાખુ જેથી તું સમુહજીવનના પાઠ ભણી શકે. સાચુ કહુ તો તારી બાની હોસ્ટેલમાં દાખલ કરવાની ઇચ્છા અને આગ્રહ બન્ને હતા કારણકે એક મા તરીકે એને તારી કેટલીક ચિંતાઓ હતી. આમ છતા તારી ઇચ્છા મુજબ મેં તને હોસ્ટેલમાં રહેવાના બદલે રુમ રાખીને રહેવા માટેની છુટ આપી કારણકે મને મારી લાડકી દિકરી પર પુરો વિશ્વાસ છે. બેટા, છાપામાં એક સમાચાર વાંચ્યા કે ગામડામાંથી શહેરમાં આવતા છોકરા-છોકરીઓ ભણવાના બદલે બાગ-બગીચામાં રખડ્યા કરે છે....

બધા માતા-પિતાને બીજાના દીકરા-દીકરી જ ગમે છે, પોતાના કોઈને ગમતા નથી

રાજકોટમાં એક ભાઈના ઘરે બેસીને અમે 4-5 જણા આજના માં-બાપની જવાબદારીઓ વિષે વાતો કરતા હતા. જેના ઘરે બેસીને વાતો કરતા હતા એમનો 13 વર્ષનો દીકરો દૂર બેઠો બેઠો વાતો સાંભળી રહ્યો હતો. થોડીવાર પછી એ ઉભો થઈને અમારી પાસે આવ્યો. મને કહે "સર, તમે બધા ક્યારના માતા-પિતાની જવાબદારીઓ વિષે વાતો કરો છો એ હું સાંભળતો હતો. સર, માતા-પિતા એક સરખા નથી હોતા, ઘરે ઘરે જુદા જુદા સ્વભાવના માતા-પિતા હોય છે. પણ એક બાબત એવી છે જેમાં બધા જ માતા-પિતા વચ્ચે સરખાપણું જોવા મળે છે." મને થયું આવો નાનો છોકરો વળી મા તા-પિતામાં શું સરખાપણું જોઈ ગયો ? મેં પૂછ્યું,"બોલને બેટા, એવી કઈ બાબત છે જેમાં તને બધા માં-બાપ સરખા લાગે છે ?" 13 વર્ષના એ છોકરાએ કહ્યું,"સાહેબ, બધા માતા-પિતાને બીજાના દીકરા-દીકરી જ ગમે છે, પોતાના કોઈને ગમતા નથી" નાના બાળકે આ એક જ વાક્યમાં માતા-પિતા દ્વારા બાળઉછેરમાં થતી બહુ મોટી ભૂલ સમજાવી દીધી. આપણને મોટાભાગના માં-બાપને બીજાના સંતાનો જ ગમે છે. 'મારો દીકરો પેલા જેવો હોત તો કેવું સારું હતું !', 'મારી દીકરી પેલી છોકરી જેવી હોત તો મારો વટ પડી જાત!' આપણને જ્યાર...