Skip to main content

ફૌઝાસિંહ ની જીવન કથા




પંજાબના જાલંધરમાં જન્મેલા ફૌઝાસિંહના પગ જન્મથી જ નબળા અને સાવ પાતળા હતા. 5 વર્ષની ઉંમર સુધી તો એ ચાલી જ નહોતા શક્યા. માતા-પિતાને ચિંતા હતી કે આ છોકરો કાયમ માટે અપંગ રહી જશે. ફૌઝાસિંહ જ્યારથી સમજતા થયા ત્યારથી એણે એક સંકલ્પ કરેલો કે મારે મારા પગ ઉપર માત્ર ઉભા જ નથી થવુ, દોડવું પણ છે.

મજબુત મનોબળના સહારે ફૌઝાસિંહ ધીમે ધીમે ચાલતા થયા. થોડું ચાલે તો પણ થાક લાગે. બીજા લોકો એમને વધુ ન ચાલવાની સલાહ આપે પણ ફૌઝાસિંહને એક જ લગન હતી કે મારે માત્ર ચાલવુ નથી દોડવું છે. ધીમે ધીમે એણે દોડવાનું પણ ચાલુ કર્યુ. લગભગ 36 વર્ષની ઉંમર સુધી એ પોતાના શોખ માટે થોડું દોડતા પણ પછી બધુ મુકી દીધુ.

1992માં ફૌઝા સિંહના પત્નિનું અવસાન થયુ. ત્યારે એમની ઉમર 81 વર્ષની હતી. પત્નિની વિદાયનું દુ:ખ હળવું હરવા મનને બીજી કોઇ દીશામાં વાળવાના હેતુથી એણે પાછું દોડવાનું ચાલુ કર્યુ. લોકોએ કદાચ એના આ વિચારને પાગલપન સમજ્યુ હશે પણ બીજા કોઇની વાત સાંભળવાને બદલે ફૌઝાસિંહે અંતરનો અવાજ સાંભળ્યો અને 81 વર્ષે ફરીથી દોડવાનું શરુ કર્યુ. લગભગ 12 વર્ષ આ રીતે નિયમિત દોડવાની પ્રેકટીસ કર્યા પછી 93 વર્ષની ઉંમરે એણે મેરેથોનમાં ભાગ લેવાનું નક્કી કર્યુ.

આ ઉમર તો પથારીમાં પડ્યા પડ્યા ઉંહકારા કરવાની અને જાત-જાતની ફરીયાદો કરવાની હોય પણ ફૌઝાસિંહે પોતાની જાતને મેરેથોન માટે તૈયાર કરી. 93 વર્ષની ઉંમરે એણે 26.2 માઇલનું અંતર 6 કલાક અને 54 મીનીટમાં પુરુ કરીને આખી દુનિયાને આશ્વર્યમાં મુકી દીધી. પછી તો દૂનિયાના કેટલાય દેશોમાં મેરેથોનમાં ભાગ લીધો. ફૌઝા સિંહની ઉંમર અત્યારે 106 વર્ષની છે. આ ઉંમરે પણ આ દાદા રોજના 15 કીમી જેટલું દોડે છે.

ફૌઝાસિંહને જ્યારે એમની આ તંદુરસ્તીનું રહસ્ય પુછવામાં આવ્યુ ત્યારે એમણે કહ્યુ, "જીવનમાં બનતી સારી કે નરસી બાબતોનો સહજ સ્વિકાર કરીને આનંદથી જીવન જીવતા શીખો અને ભોજનમાં સંયમ રાખો. મેં આજ સુધી ક્યારેય શરાબ કે સીગારેટ પીધી નથી અને હંમેશા શાકાહારી ભોજન જ લઉ છું. તળેલા પદાર્થોને ક્યારેય હાથ નથી અડાડતો અને પાણી ખુબ પીઉ છું. હંમેશા આનંદમાં રહુ છુ અને ભગવાન મારી સાથે જ છે એવુ માનીને ભગવાન સાથે વાતો પણ કરુ છું.

મિત્રો, નાની-નાની શારીરીક તકલીફોની સામે ઘૂંટણીએ પડી જતા આપણે સૌએ ફૌઝાસિંહના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે. નોખી માટીના આ અનોખા માણસને વંદન અને અભિનંદન.

Source : Shailesh Sagpariya

Comments

Popular posts from this blog

મારી લાડકી દિકરી

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર ( આ કાલ્પનિક પત્ર છે પણ સમજવાનો પ્રયાસ કરશો તો આ એક સામાન્ય લાગતો કાગળ ઘણું ઘણું કહી જાય છે.) મારી લાડકી દિકરી...... બેટા, તને ભણવા માટે શહેરમાં મુકી પણ તારી ગેરહાજરીથી આખુ ઘર મને ખાલી-ખાલી લાગે છે. આ ખાલીપો મને મંજૂર છે કારણકે મારી લાડકડીને મારે ઉંચા પદ પર જોવી છે. તારી બાએ જે તકલીફો સહન કરી છે એ તારે ના કરવી પડે એટલે તને ભણવા માટે શહેરમાં મુકી છે. બેટા, જાત-જાતની વાતો સાંભળીને અને છાપાઓમાં વાંચીને કેટલાય દિવસથી અંતર વલોવાતું હતું એટલે આજે તને કાગળ લખવા બેઠો છું. મારી ઇચ્છા હતી હે હું તને ગર્લ્સ હોસ્ટેલમાં જ રાખુ જેથી તું સમુહજીવનના પાઠ ભણી શકે. સાચુ કહુ તો તારી બાની હોસ્ટેલમાં દાખલ કરવાની ઇચ્છા અને આગ્રહ બન્ને હતા કારણકે એક મા તરીકે એને તારી કેટલીક ચિંતાઓ હતી. આમ છતા તારી ઇચ્છા મુજબ મેં તને હોસ્ટેલમાં રહેવાના બદલે રુમ રાખીને રહેવા માટેની છુટ આપી કારણકે મને મારી લાડકી દિકરી પર પુરો વિશ્વાસ છે. બેટા, છાપામાં એક સમાચાર વાંચ્યા કે ગામડામાંથી શહેરમાં આવતા છોકરા-છોકરીઓ ભણવાના બદલે બાગ-બગીચામાં રખડ્યા કરે છે....

બધા માતા-પિતાને બીજાના દીકરા-દીકરી જ ગમે છે, પોતાના કોઈને ગમતા નથી

રાજકોટમાં એક ભાઈના ઘરે બેસીને અમે 4-5 જણા આજના માં-બાપની જવાબદારીઓ વિષે વાતો કરતા હતા. જેના ઘરે બેસીને વાતો કરતા હતા એમનો 13 વર્ષનો દીકરો દૂર બેઠો બેઠો વાતો સાંભળી રહ્યો હતો. થોડીવાર પછી એ ઉભો થઈને અમારી પાસે આવ્યો. મને કહે "સર, તમે બધા ક્યારના માતા-પિતાની જવાબદારીઓ વિષે વાતો કરો છો એ હું સાંભળતો હતો. સર, માતા-પિતા એક સરખા નથી હોતા, ઘરે ઘરે જુદા જુદા સ્વભાવના માતા-પિતા હોય છે. પણ એક બાબત એવી છે જેમાં બધા જ માતા-પિતા વચ્ચે સરખાપણું જોવા મળે છે." મને થયું આવો નાનો છોકરો વળી મા તા-પિતામાં શું સરખાપણું જોઈ ગયો ? મેં પૂછ્યું,"બોલને બેટા, એવી કઈ બાબત છે જેમાં તને બધા માં-બાપ સરખા લાગે છે ?" 13 વર્ષના એ છોકરાએ કહ્યું,"સાહેબ, બધા માતા-પિતાને બીજાના દીકરા-દીકરી જ ગમે છે, પોતાના કોઈને ગમતા નથી" નાના બાળકે આ એક જ વાક્યમાં માતા-પિતા દ્વારા બાળઉછેરમાં થતી બહુ મોટી ભૂલ સમજાવી દીધી. આપણને મોટાભાગના માં-બાપને બીજાના સંતાનો જ ગમે છે. 'મારો દીકરો પેલા જેવો હોત તો કેવું સારું હતું !', 'મારી દીકરી પેલી છોકરી જેવી હોત તો મારો વટ પડી જાત!' આપણને જ્યાર...