Skip to main content

નરેશ પટેલ એટલે સાદગી, સંવેદના, સમર્પણ, સ્થિરતા અને શાલિનતાનો સરવાળો

નરેશભાઇને મેં જ્યારે જ્યારે જોયા છે ત્યારે મોટાભાગે એક જ પહેરવેશમાં જોયા છે, સફેદ ટીશર્ટ અને બ્લેક પેન્ટ. કપડામાં જેટલી સાદગી જીવનમાં પણ એટલી જ સાદગી. તમે એની કંપનીની ઓફિસ પર જાવ કે ખોડલધામની ઓફિસ પર જાવ બધે જ તમને સાદગી અને સ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળે. બીજાને આંજી દેવાની બિલકુલ દરકાર નહિ.
કેટલાક લોકો નરેશભાઈને કટ્ટર જ્ઞાતિવાદી માણસ સમજે છે. જે સમાજના આગેવાન હોય એ સમાજ માટે કામ કરે એ તો સ્વાભાવિક છે પણ બહુ ઓછાને ખબર હશે કે આ માણસ ખુબ સંવેદનશીલ છે. પટેલ દાતાઓના જ ખર્ચે તૈયાર થયેલા સરદાર ભવનમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે ચાલતા કોચિંગ કલાસમાં બધી જ જ્ઞાતિના દીકરા દીકરીને પ્રવેશ આપવાની વિશાળતા આ માણસ ધરાવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી કરોડો રૂપિયા ખર્ચીને 'સદજ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ'ના નામથી આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડે છે. ડો.ભગવતી સાહેબ જેવા નામાંકિત ડોકટરોની સેવા એને સાવ સામાન્ય લોકોને અપાવી છે.


નરેશભાઇનું સમર્પણ પણ અદભૂત છે. પોતપોતાના સમાજ માટે તો ઘણા લોકો કામ કરતા હશે પણ આ માણસની કાર્યપદ્ધતિ સાવ જુદી છે. આટલા વર્ષોથી ખોડલધામ માટે કામ કરે છે અને આટલી દોડાદોડી કરે છે પણ પ્રવાસખર્ચનું એકપણ બિલ એને ટ્રસ્ટમાં નથી નાખ્યું. એમના પોતાના પ્રવાસ ખર્ચનું તો સમજ્યા પણ સહપ્રવાસીનો બધો ખર્ચ પણ પોતે જ ઉઠાવે અને આ ખર્ચો એના અંગત ખાતામાંથી ઉધારાય. જે સંસ્થા માટે કામ કરે એ સંસ્થાને સંપૂર્ણ વફાદાર અને સમર્પિત.
ઊંચા હોદા પર બેઠેલો માણસ વિચલિત બહુ થાય પણ નરેશભાઇની સ્થિરતાનો તો મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. ઘણીવાર એવું બન્યુ છે કે કોઈ કાર્યમાં મોટા મોટા વિઘ્નો આવ્યા હોય. જો બીજો કોઈ માણસ હોય તો છાતીના પાટિયા બેસી ગયા હોય પણ નરેશભાઇની સ્થિરતા આવા પ્રસંગે પ્રત્યક્ષ જોઈ છે. બીજી બાજુ શબ્દથી વ્યક્ત ના થઇ શકે એવી અદભૂત સફળતાઓ પણ મળી છે. ભવ્ય સફળતાનો નશો પણ આ માણસને નથી ચડ્યો.
શાલીનતા તો નરેશભાઇને વારસામાં મળી હોય એમ લાગે. ગામડાના સામાન્ય માણસ સાથે વાત કરતી વખતે બિલકુલ એના જેવા બની જાય. લોકો જાત જાતના પ્રશ્નો લઈને એમની પાસે આવે એમાંના કેટલાકની વાતો સાંભળીને તો આપણે ઊંચાનીચા થવા માંડીએ પણ નરેશભાઇ હસતા હસતા એને સાંભળે. માત્ર સાંભળવા માટે નહિ દિલથી સાંભળે અને એના પ્રશ્નોમાં રસ પણ લે. મોટી સંસ્થા સંભાળતા હોય એટલે ક્યારેક લાલ આંખ પણ કરાવી પડે આમ છતાં એમણે કૃષ્ણની જેમ સુંદર્શનનો ઓછો અને વાંસળીનો વધુ ઉપયોગ કર્યો છે.
કદાચ તમને ખોડલધામ પ્રત્યે વાંધો હોય શકે, નરેશભાઇના કેટલાક અંગત વિચારો પ્રત્યે પણ વાંધો હોય શકે પણ એમના જીવનમાંથી આ પાંચ ગુણો ખરેખર આત્મસાત કરવા જેવા છે.

Source : Shailesh Sagpariya

Comments

Popular posts from this blog

ફૌઝાસિંહ ની જીવન કથા

પંજાબના જાલંધરમાં જન્મેલા ફૌઝાસિંહના પગ જન્મથી જ નબળા અને સાવ પાતળા હતા. 5 વર્ષની ઉંમર સુધી તો એ ચાલી જ નહોતા શક્યા. માતા-પિતાને ચિંતા હતી કે આ છોકરો કાયમ માટે અપંગ રહી જશે. ફૌઝાસિંહ જ્યારથી સમજતા થયા ત્યારથી એણે એક સંકલ્પ કરેલો કે મારે મારા પગ ઉપર માત્ર ઉભા જ નથી થવુ, દોડવું પણ છે. મજબુત મનોબળના સહારે ફૌઝાસિંહ ધીમે ધીમે ચાલતા થયા. થોડું ચાલે તો પણ થાક લાગે. બીજા લોકો એમને વધુ ન ચાલવાની સલાહ આપે  પણ ફૌઝાસિંહને એક જ લગન હતી કે મારે માત્ર ચાલવુ નથી દોડવું છે. ધીમે ધીમે એણે દોડવાનું પણ ચાલુ કર્યુ. લગભગ 36 વર્ષની ઉંમર સુધી એ પોતાના શોખ માટે થોડું દોડતા પણ પછી બધુ મુકી દીધુ. 1992માં ફૌઝા સિંહના પત્નિનું અવસાન થયુ. ત્યારે એમની ઉમર 81 વર્ષની હતી. પત્નિની વિદાયનું દુ:ખ હળવું હરવા મનને બીજી કોઇ દીશામાં વાળવાના હેતુથી એણે પાછું દોડવાનું ચાલુ કર્યુ. લોકોએ કદાચ એના આ વિચારને પાગલપન સમજ્યુ હશે પણ બીજા કોઇની વાત સાંભળવાને બદલે ફૌઝાસિંહે અંતરનો અવાજ સાંભળ્યો અને 81 વર્ષે ફરીથી દોડવાનું શરુ કર્યુ. લગભગ 12 વર્ષ આ રીતે નિયમિત દોડવાની પ્રેકટીસ કર્યા પછી 93 વર્ષની ઉંમરે એણે મેરેથોનમાં ભાગ લેવાન...

રવિન્દર કૌશિક આપની બહાદૂરી, હિંમત, દેશભક્તિ અને સમર્પણને સો સો સલામ.

Date : 25 Aug,2017 રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જન્મેલા રવિન્દર કૌશિક રંગમંચના અદભૂત કલાકાર હતા. નાટકમાં એમને અપાયેલા પાત્રને એ રંગમંચ પર જીવંત કરતા. એકવખત લખનૌમાં રાષ્ટ્રિય કક્ષાના નાટયોત્સવનું આયોજન થયું હતું. રવિન્દર પણ પોતાની કલા બતાવવા આ ઉત્સવમાં આવેલા. RAW - Reserch and Analysis Wing (ભારત સરકારની ગુપ્તચર સંસ્થા)ના અધિકારીઓ આવેલા એમને રવિન્દરનો અભિનય ખૂબ ગમ્યો. RAW ના અધિકારીઓએ રવિન્દરનો સંપર્ક કરીને જોબ ઓફર કરી જેમાં રવિન્દરને અન્ડર કવર એજન્ટ તરીકે પાકિસ્તાનમાં રહીને ત્યાંની માહિતી ભારતને પહ ોંચાડવાની હતી. આ કોઈ મોજમજા વાળી નહિ પણ દેશ માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવાની નોકરી હતી. રવિન્દરે દેશસેવાની આ તક ઝડપી લીધી. RAW દ્વારા રવિન્દરને 2 વર્ષ સુધી ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી. દિલ્હીમાં રહીને એ ઉર્દુ શીખ્યા અને મુસ્લિમ ધર્મનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો કારણકે પાકિસ્તાનમાં રહેવાનું હતું. 1975માં માત્ર 23 વર્ષની ઉંમરે 'નબી અહેમદ શાકીર' નામ ધારણ કરીને પાકિસ્તાનમાં આવી ગયા. કરાંચી યુનિવર્સીટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કરીને પાકિસ્તાન આર્મીમાં ...

મારી લાડકી દિકરી

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર ( આ કાલ્પનિક પત્ર છે પણ સમજવાનો પ્રયાસ કરશો તો આ એક સામાન્ય લાગતો કાગળ ઘણું ઘણું કહી જાય છે.) મારી લાડકી દિકરી...... બેટા, તને ભણવા માટે શહેરમાં મુકી પણ તારી ગેરહાજરીથી આખુ ઘર મને ખાલી-ખાલી લાગે છે. આ ખાલીપો મને મંજૂર છે કારણકે મારી લાડકડીને મારે ઉંચા પદ પર જોવી છે. તારી બાએ જે તકલીફો સહન કરી છે એ તારે ના કરવી પડે એટલે તને ભણવા માટે શહેરમાં મુકી છે. બેટા, જાત-જાતની વાતો સાંભળીને અને છાપાઓમાં વાંચીને કેટલાય દિવસથી અંતર વલોવાતું હતું એટલે આજે તને કાગળ લખવા બેઠો છું. મારી ઇચ્છા હતી હે હું તને ગર્લ્સ હોસ્ટેલમાં જ રાખુ જેથી તું સમુહજીવનના પાઠ ભણી શકે. સાચુ કહુ તો તારી બાની હોસ્ટેલમાં દાખલ કરવાની ઇચ્છા અને આગ્રહ બન્ને હતા કારણકે એક મા તરીકે એને તારી કેટલીક ચિંતાઓ હતી. આમ છતા તારી ઇચ્છા મુજબ મેં તને હોસ્ટેલમાં રહેવાના બદલે રુમ રાખીને રહેવા માટેની છુટ આપી કારણકે મને મારી લાડકી દિકરી પર પુરો વિશ્વાસ છે. બેટા, છાપામાં એક સમાચાર વાંચ્યા કે ગામડામાંથી શહેરમાં આવતા છોકરા-છોકરીઓ ભણવાના બદલે બાગ-બગીચામાં રખડ્યા કરે છે....